ટ્રમ્પે હોર્મુઝમાં 20% ટેક્સ લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર 20 ટકા ટેક્સ લગાવવાની જાહેરાત કર્યા બાદ માત્ર 24 કલાકમાં જ યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે આ નિર્ણય પાછો ખેંચતાં જણાવ્યું કે મધ્ય પૂર્વના નેતાઓ સાથેની ચર્ચા બાદ હવે ટેક્સ લાદવાને બદલે ખાડી દેશો અમેરિકામાં મોટા પાયે રોકાણ કરશે, જેના કારણે લાખો નવી રોજગારીની તકો ઊભી થશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ટેક્સ વસૂલવાની યોજના હવે અમલમાં મૂકવામાં આવશે નહીં. તેના સ્થાને અમેરિકા અને ખાડી દેશો વચ્ચે રોકાણ અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.
નોંધનીય છે કે સોમવારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજો પાસેથી 20 ટકા ફી વસૂલવામાં આવશે. આ જાહેરાત બાદ અનેક દેશોએ તેની ટીકા કરી હતી. ઈરાને પણ વ્યંગાત્મક પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “20 ટકા ખૂબ વધારે છે, અમે તો તેનાથી ઓછો ટેક્સ વસૂલશું.”
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર અમેરિકી સેનાએ બુશેહર, ચાબહાર, જસ્ક, કોનારક, અબુ મુસા અને બંદર અબ્બાસ સહિતના વિસ્તારોમાં આવેલા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી પાંચ કલાક સુધી હવાઈ હુમલા કર્યા.
હોર્મુઝ સ્ટ્રેટ પર ટેક્સની જાહેરાત અને પછી યુ-ટર્ન:
ટ્રમ્પે શરૂઆતમાં હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રાખવાના બદલામાં ત્યાંથી પસાર થતા દરેક કાર્ગો જહાજ પર 20 ટકા ફી વસૂલવાની જાહેરાત કરી હતી. સાથે જ ઈરાન અને તેના વેપારી ભાગીદારો સામે નવા પ્રતિબંધોની પણ જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો.
ઈરાનનો કટાક્ષભર્યો જવાબ:
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે દરિયાઈ માર્ગોની સુરક્ષા આપનાર દેશને વળતર મળવું જોઈએ અને ઈરાન લાંબા સમયથી આ જવાબદારી નિભાવી રહ્યું છે. તેમણે વ્યંગ કરતાં ઉમેર્યું કે 20 ટકા ફી ખૂબ વધારે છે અને ઈરાન વધુ વાજબી દર વસૂલશે.અમેરિકાએ બંદર અબ્બાસમાં આવેલા ઈરાની નૌકાદળના મથક અને સબમરીન જાળવણી સુવિધાઓને નિશાન બનાવી દરિયાઈ ડ્રોન વડે હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રશિયાનું વિશેષ કમાન્ડ એરક્રાફ્ટ Tu-214PU તેહરાન પહોંચ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ વિમાન મોટા યુદ્ધ અથવા પરમાણુ સંકટ દરમિયાન રાષ્ટ્રપતિ અને સૈન્ય માટે મોબાઇલ કમાન્ડ સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાય છે.