📲 વધુ સમાચારો મેળવવા
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
India

સિક્કિમની નિર્માણાધીન ટનલ પર લેન્ડસ્લાઇડ, 7 મજૂરોનાં મોત

સિક્કિમના નામચી જિલ્લામાં સોમવારે નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલનની ગંભીર ઘટના બની હતી. ભૂસ્ખલનના કારણે ટનલનો પ્રવેશદ્વાર બંધ થઈ જતાં અંદર કામ કરી રહેલા મજૂરો ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 7 મજૂરોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે હજુ પણ 20 જેટલા મજૂરો ટનલમાં ફસાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

આ દુર્ઘટના નામચી જિલ્લાના મામરિંગ વિસ્તારમાં આવેલી સમરદુંગ ટનલમાં બની હતી, જ્યાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જિલ્લા કલેક્ટર અનુપા તામલિંગે જણાવ્યું કે ટનલમાં ફસાયેલા મજૂરોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી અને તે 27થી ઓછી અથવા વધુ પણ હોઈ શકે છે.

ટનલની અંદર મિથેન ગેસની હાજરીને કારણે રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. બચાવ કામગીરી દરમિયાન કેટલાક રેસ્ક્યૂ કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને બેભાન થવાની સ્થિતિ સર્જાતા અભિયાનને અસર પહોંચી છે.

જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ, બપોરે અંદાજે 3:40 વાગ્યે ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.પ્રાથમિક માહિતી મુજબ ટનલમાં પટેલ એન્જિનિયરિંગ કંપનીના 21 અને NHPCના 6 મળીને કુલ 27 મજૂરો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે પશ્ચિમ બંગાળથી ગેસ-પ્રતિરોધક સાધનોથી સજ્જ વિશેષ રેસ્ક્યૂ ટીમ પણ બોલાવવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ટનલની અંદર મિથેન ગેસ, ઓછી જગ્યા અને પૂરતા પ્રકાશના અભાવને કારણે બચાવ અભિયાન પડકારજનક બન્યું છે. હાલમાં તમામ ફસાયેલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવું એ તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે.

ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ સહિતની તાત્કાલિક આરોગ્ય સેવાઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમો ગેસ માસ્ક અને વિશેષ સુરક્ષા સાધનો સાથે ટનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે આ ટનલ તિસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ માટે પટેલ એન્જિનિયરિંગ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે.