સર ગેરી સોબર્સનું 89 વર્ષની ઉંમરે નિધન

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર અને ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓમાં સ્થાન ધરાવતા સર ગેરી સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. સોબર્સે ક્રિકેટમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી હતી, જેમાં એક ઓવરની તમામ છ બોલ પર છ છગ્ગા ફટકારી વિશ્વ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચવાનો સમાવેશ થાય છે.
સર ગેરી સોબર્સે વર્ષ 1968માં નોટિંગહામશાયર તરફથી રમતા ગ્લેમોર્ગન સામે સેન્ટ હેલેન્સ મેદાન પર એક જ ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા હતા. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ વિશ્વના પ્રથમ બેટ્સમેન બન્યા હતા અને તેમનો આ રેકોર્ડ આજે પણ ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર સિદ્ધિઓમાં ગણાય છે.
સોબર્સે માત્ર 16 વર્ષની ઉંમરે, 1953માં બાર્બાડોસ તરફથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની પ્રતિભાને ધ્યાનમાં રાખીને માત્ર એક વર્ષ બાદ, 1954માં તેમને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું. ત્યારબાદ 1958માં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચમાં તેમણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી અને અણનમ 365 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તે સમયે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગ્સમાં કોઈ પણ બેટ્સમેનનો આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો, જે બાદમાં 1994માં બ્રાયન લારાએ તોડ્યો હતો.
38 વર્ષની ઉંમરે સર ગેરી સોબર્સે 1974માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ક્રિકેટ મેગેઝિન વિઝડને 1975માં નોંધ્યું હતું કે લાંબી કારકિર્દી બાદ તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા હતા અને રમત પ્રત્યેનો તેમનો જુસ્સો પણ ધીમે-ધીમે ઓછો થયો હતો.
સર ગેરી સોબર્સે 1954થી 1974 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 93 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેમણે 57.78ની શાનદાર સરેરાશથી 8,032 રન બનાવ્યા હતા અને સાથે જ 235 વિકેટ પણ ઝડપી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમણે 383 મેચોમાં 28 હજારથી વધુ રન બનાવ્યા અને 1,000થી વધુ વિકેટ ઝડપી હતી, જે તેમના સર્વાંગી પ્રદર્શનની સાબિતી આપે છે.
ક્રિકેટમાં તેમના અસાધારણ યોગદાન બદલ વર્ષ 1975માં તેમને બ્રિટિશ સરકાર દ્વારા ‘નાઈટહુડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના બાદ તેઓ ‘સર ગેરી સોબર્સ’ તરીકે ઓળખાવા લાગ્યા. ત્યારબાદ વર્ષ 2009માં તેમને ICC હોલ ઓફ ફેમમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.