અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારે (18 જુલાઈ) રામોલ-ગતરાડ રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આશરે 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે કેટલાક શ્રમિકોના મૃતદેહના ચીથરા ઉડી ગયા હતા.
બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોમાંથી 8 લોકોને એલ.જી. હોસ્પિટલ અને 6 લોકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ફેક્ટરી વસ્ત્રાલ RAF કેમ્પની પાછળ આવેલા ખુલ્લા વિસ્તારમાં હોવાથી ધડાકાનો અવાજ સંભળાતાં જ RAFના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ જવાનોએ ઘાયલો અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બાદમાં ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવી કુલિંગની કામગીરી હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ, ઝોન-8ના ડીસીપી મયુર પાટીલ તેમજ સેક્ટર-2ના જેસીપી જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીનો માલિક મેહુલ ડોડીયા હોવાનું સામે આવ્યું છે અને તે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
અસારવા સિવિલ હોસ્પિટલમાં કુલ 6 ઈજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. બાકીના પાંચ દર્દીઓમાં ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ બે દર્દીઓની હાલત ગંભીર, એકની સ્થિતિ મધ્યમ અને બેની હાલત સ્થિર છે. બીજી તરફ એલ.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા 8 લોકોમાંથી 4ના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે 4ની સારવાર ચાલી રહી છે.
સેક્ટર-2ના જેસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રામોલ-ગતરાડ રોડ પર RAF કેમ્પની પાછળ ખુલ્લા ખેતરમાં શેડ બનાવી મેહુલ ડોડીયા ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. મહત્વની વાત એ છે કે આ ફેક્ટરીનું લાયસન્સ અગાઉ જ રદ કરવામાં આવ્યું હતું, તેમ છતાં અહીં ગેરકાયદે રીતે ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 8 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બ્લાસ્ટની માહિતી મળતાં જ RAF, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી. સમગ્ર મામલે રામોલ પોલીસ દ્વારા એક્સપ્લોઝિવ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.