📲 વધુ સમાચારો મેળવવા
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
Gujarat

સુરેન્દ્રનગરની ભારત સીટ્સ કંપનીની કેન્ટીનની દાળમાં ગરોળી નીકળી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-બહુચરાજી રોડ પર નાવિયાણી અને વાલેવડા ગામ વચ્ચે આવેલી ‘ભારત સીટ્સ’ કંપનીમાં ભોજનની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. કંપનીની કેન્ટીનમાં પીરસાયેલી દાળમાંથી ગરોળી નીકળતાં કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. દૂષિત ભોજન આરોગવાના કારણે 10થી વધુ કર્મચારીઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મોડી રાત્રે હોસ્પિટલમાં અસરગ્રસ્ત કર્મચારીઓને દવા, ઈન્જેક્શન અને સેલાઇન સહિતની સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ અંદાજે 15 જેટલા કર્મચારીઓને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાએ કંપની પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

આ મામલે કંપનીના જવાબદારોનો સંપર્ક કરવામાં આવતા તેમણે ઘટનાને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે એક અધિકારીએ તો આવી કોઈ ઘટના બની જ નથી હોવાનું કહી વાયરલ થયેલા વીડિયો પણ જોયા ન હોવાનું જણાવ્યું હતું.

નાવિયાણી સ્થિત ‘ભારત સીટ્સ’ કંપનીમાં વાહનોના સીટ કવર, કાર્પેટ અને અન્ય ઓટોમોબાઇલ સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન થાય છે. અહીં બે શિફ્ટમાં આસપાસના ગામોના 600થી વધુ કર્મચારીઓ કામ કરે છે. કંપની કર્મચારીઓના વેતનમાંથી નિયત રકમ કપાત કરીને કેન્ટીનમાં ભોજનની સુવિધા પૂરી પાડે છે.

સોમવારે રાત્રે અંદાજે 8:30 વાગ્યે શિફ્ટ દરમિયાન કર્મચારીઓને પીરસાયેલી દાળમાંથી ગરોળી નીકળતાં ચકચાર મચી ગઈ હતી. આ ભોજન લીધા બાદ અનેક કર્મચારીઓને ઉલટી, ગભરામણ અને અન્ય ફૂડ પોઇઝનિંગના લક્ષણો દેખાવા લાગ્યા હતા. સ્થિતિ ગંભીર બનતા કંપની દ્વારા પોતાની બસ મારફતે અસરગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Show More