📲 વધુ સમાચારો મેળવવા
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
International

મેક્સિકોમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

મેક્સિકોના દક્ષિણ રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠે શુક્રવારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. ભૂકંપ બાદ આશરે 10 લાખ લોકો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેના આંચકા માત્ર મેક્સિકો જ નહીં પરંતુ મધ્ય અમેરિકાના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

અમેરિકી ભૂસ્તર સર્વેક્ષણ સંસ્થા (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પ્યુર્ટો મડેરો શહેર નજીક સમુદ્રમાં હતું અને તે જમીનથી અંદાજે 10 કિલોમીટરની ઓછી ઊંડાઈએ આવ્યો હતો. ઓછી ઊંડાઈને કારણે આસપાસના વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ બાદ અમેરિકાની સુનામી વોર્નિંગ સિસ્ટમે સંભવિત સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. 7.4ની તીવ્રતાનો ભૂકંપ ‘મેજર’ કેટેગરીમાં આવે છે, જેનાથી ભારે જાનમાલનું નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે.

આંચકાઓ મેક્સિકોના પડોશી દેશો ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ અનુભવાયા હતા. જોકે, અહેવાલ લખાય ત્યાં સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.આ ભૂકંપ ‘પેસિફિક રિંગ ઓફ ફાયર’ તરીકે ઓળખાતા વિશ્વના સૌથી સક્રિય ભૂકંપીય વિસ્તારમાં આવ્યો હતો. પ્રશાંત મહાસાગરને ઘેરી રહેલો આશરે 40 હજાર કિલોમીટર લાંબો આ વિસ્તાર વિશ્વના લગભગ 75 ટકા સક્રિય અને નિષ્ક્રિય જ્વાળામુખી તેમજ લગભગ 90 ટકા ભૂકંપ માટે જવાબદાર માનવામાં આવે છે.

માહિતી અનુસાર, છેલ્લા 30 દિવસમાં આ વિસ્તારમાં 22 જેટલા ભૂકંપ નોંધાયા છે, જેમાં શુક્રવારે આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપને સૌથી શક્તિશાળી ગણાવવામાં આવી રહ્યો છે.

ભૂકંપ બાદ અધિકારીઓએ ચેતવણી આપી છે કે સમુદ્રમાં ઊંચી અને જોખમી લહેરો ઊભી થઈ શકે છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર, તીવ્ર દરિયાઈ પ્રવાહ અને અન્ય જોખમો સર્જાઈ શકે છે. તેથી લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.જોકે, અમેરિકાના નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના પશ્ચિમ કિનારા, બ્રિટિશ કોલંબિયા અને અલાસ્કા માટે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી.

ભૂકંપ શા માટે આવે છે?

પૃથ્વીની સપાટી અનેક મોટી અને નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત ગતિશીલ રહે છે અને એકબીજા સાથે અથડાતી અથવા સરકતી રહે છે. જ્યારે પ્લેટો વચ્ચે દબાણ ખૂબ વધી જાય છે ત્યારે તેમાં અચાનક ઊર્જા મુક્ત થાય છે, જેના કારણે ધરતી ધ્રૂજે છે અને ભૂકંપની ઘટના સર્જાય છે.