સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર

સુરતમાં 6 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો. પાણી ભરાવાના કારણે હજારો વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. યોજના અંતર્ગત વેપારીઓને નુકસાનના આધારે રૂ. 7,500થી લઈને રૂ. 1 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે. ઉપરાંત, ધંધો ફરી શરૂ કરવામાં સરળતા રહે તે માટે રૂ. 30 લાખ સુધીની લોન અને તેના પર વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે વેપારીઓએ રોકડ સહાય અથવા વ્યાજ સહાય – બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
સરકારે પૂરના કારણે નુકસાન પામેલી દુકાનો અને રહેણાંક મકાનોને એક વર્ષ માટે મહાનગરપાલિકાના મિલકત વેરામાંથી પણ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ રાહત માત્ર સુરત પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યના અન્ય વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં પણ લાગુ કરવામાં આવશે. સુરત કલેક્ટર કચેરી આગામી બે દિવસમાં સહાય માટેના અરજીપત્રકો સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરશે.
વીમા સુરક્ષા વિના નુકસાન ભોગવનારા નાના અને મધ્યમ વેપારીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વિશેષ પેકેજ તૈયાર કર્યું છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નાના-મોટા તમામ વેપારીઓને યોજનાનો લાભ મળશે. સરકારનું માનવું છે કે ભારે નુકસાન બાદ વેપારીઓ ફરીથી પોતાના વ્યવસાયમાં ઉભા રહી શકે તે માટે આર્થિક સહાય સાથે સરળ શરતો પર લોન પણ જરૂરી છે.
સરકારના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં સહાય માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થશે. જે રહેણાંક મકાન, દુકાન અથવા વેપાર સ્થળોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું ફોટોગ્રાફ અથવા વીડિયોગ્રાફી દ્વારા સાબિત થશે, તેવા તમામ એકમોને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શિકા જાહેર થયા બાદ અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની વિગતો જાહેર કરવામાં આવશે.
રાજ્ય સરકારે દાવો કર્યો છે કે વરસાદગ્રસ્ત વેપારીઓ અને નાગરિકો માટે જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે. સુરતમાં પૂર અને પાણી ભરાવાના કારણોની તપાસ માટે શહેરી વિકાસ વિભાગની વિશેષ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ટીમના પ્રાથમિક અહેવાલના આધારે સરકારે શહેરમાં વિકાસ અને પૂર નિવારણના કામો માટે રૂ. 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે. જરૂર પડશે તો વધારાનું ભંડોળ પણ ફાળવવામાં આવશે.
સરકારના અંદાજ મુજબ વેપારીઓ માટે જાહેર કરાયેલી લોન અને વ્યાજ સહાય યોજનાનો આશરે રૂ. 550 કરોડનો આર્થિક બોજ આગામી ત્રણ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર ઉઠાવશે.
અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત પહોંચાડવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ચૂકવી દીધી છે. શહેરમાં આરોગ્ય અને સ્વચ્છતા સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સફાઈ કર્મચારીઓ સતત કામગીરીમાં જોડાયેલા છે.
સરકારે ખાસ સ્પષ્ટતા કરી છે કે પ્રથમ માળે રહેતા એવા નાગરિકો, જેમના ઘરમાં પાણી ન ભરાયું હોવા છતાં પૂરના કારણે તેઓ રોજગાર માટે બહાર જઈ શક્યા ન હતા, તેમને પણ કેશ ડોલ અને અન્ય સહાયનો લાભ આપવામાં આવ્યો છે.