📲 વધુ સમાચારો મેળવવા
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
CrimeGujarat

પિતા આખી રાત દીકરાને શોધતા રહ્યા, મિત્રના ફલેટમાંથી મૃતદેહ મળ્યો

વડોદરામાં એક 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. લાપતા થયેલા પુત્રને શોધવા માટે પિતા આખી રાત શહેરમાં ભટકતા રહ્યા, પરંતુ બીજા દિવસે મિત્રના ફ્લેટમાંથી જ તેમના પુત્ર આકાશ પાટીલનો મૃતદેહ મળી આવ્યો હતો. પુત્ર સુરક્ષિત ઘરે પરત ફરશે તેવી આશા રાખનાર પિતાને આ સમાચાર મળતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટના વડોદરા તાલુકાના વરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડભોઈ રોડ પરના કુબેર એક્સપ્રેશન એપાર્ટમેન્ટના એફ-1, ફ્લેટ નંબર 103માં બની હતી. અહીંથી 21 વર્ષીય આકાશ રવિન્દ્ર પાટીલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આકાશ મકરપુરા વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આકાશ પોતાની બાઈક માંજલપુર સ્થિત ઈવા મોલ પાસે પાર્ક કરીને ઇકો વાન મારફતે પોતાના મિત્રો રાજેશ ઉર્ફે રાજ બ્રહ્માનંદ ઓઝા અને અજય પુષ્પકાંત પરમાર સાથે અજયના ફ્લેટે ગયો હતો. ત્યારબાદ મિત્રો તેને ફ્લેટમાં મૂકીને ત્યાંથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ બંને મિત્રોને પૂછપરછ માટે પોલીસ ચોકી લઈ ગઈ હતી.

મૃતકના પિતા રવિન્દ્ર પાટીલે જણાવ્યું કે, તેમનો પુત્ર સાંજે નોકરી પરથી ઘરે પરત ન ફરતાં તેઓ આખી રાત તેની શોધખોળ કરતા રહ્યા હતા. તેમણે ઓફિસ, ઓળખીતી જગ્યાઓ અને અન્ય સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ આકાશનો કોઈ પત્તો લાગ્યો નહોતો. મોડી રાત સુધી રાહ જોયા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા અને બીજા દિવસે સવારે પોલીસને જાણ કરવાનો નિર્ણય લીધો હતો.

રવિન્દ્ર પાટીલે જણાવ્યું કે સવારે તેમણે પોલીસને જાણ કરતા પહેલાં પુત્રના મિત્રોનો સંપર્ક કર્યો હતો. રાજ નામના મિત્ર સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે તેઓ રાત્રે એક જગ્યાએ ગયા હતા. ત્યારબાદ તેઓ રાજ અને અન્ય મિત્ર સુમિત સાથે વાઘોડિયા તરફ ગયા હતા, પરંતુ ત્યાં કોઈ માહિતી મળી નહોતી. બાદમાં અજયનો સંપર્ક કરવામાં આવ્યો અને તે થોડા સમય બાદ ત્યાં પહોંચ્યો.

પિતાના જણાવ્યા અનુસાર, જે ફ્લેટમાંથી તેમના પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે તે અજયનો જ ફ્લેટ છે. પરિવારજનોએ સૌથી પહેલાં 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તબીબોએ સ્થળ પર પહોંચીને આકાશને મૃત જાહેર કર્યો હતો, ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

હાલ વરણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આકાશના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. પોલીસે બંને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.