ધારા હત્યા કેસમાં સુરજ ભુવા સહિત 5ને આજીવન કેદ

ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે પૂરતા પુરાવાના અભાવે અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2022માં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી.
22 વર્ષીય ધારા કડીવાર સોશિયલ મીડિયા મારફતે સુરજ ભુવાજીના સંપર્કમાં આવી હતી. સુરજ પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પરંતુ સમય જતાં બંને વચ્ચે સતત ઝઘડા શરૂ થયા. સંબંધોથી કંટાળેલા સુરજ ભુવાજીએ પોતાના સાગરિતો સાથે મળીને ધારાને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે જૂન 2022માં આરોપીઓ ધારાને અમદાવાદ લઈ જવાના બહાને નીકળ્યા હતા. ત્યારબાદ અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક આવેલી સુરજ ભુવાજીની વાડીમાં લઈ જઈ ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. ગુનાના પુરાવા નાશ કરવા માટે મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર હત્યાકાંડ ક્યારેય બહાર ન આવે તે માટે ફિલ્મી અંદાજમાં આખું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. જોકે, પોલીસની સઘન તપાસમાં સમગ્ર ભેદ ઉકેલાયો અને કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સુરજ સોલંકી ઉર્ફે સુરજ ભુવાજી જૂનાગઢમાં દોરા-ધાગા અને ધાર્મિક વિધિઓ કરાવતો હોવાથી ‘ભુવાજી’ તરીકે ઓળખાતો હતો. સોશિયલ મીડિયા દ્વારા તેની ઓળખ ધારા સાથે થઈ હતી. બંને વચ્ચે નજીકતા વધતાં અલગ મકાન ભાડે રાખીને સાથે રહેવા લાગ્યા હતા.
પોલીસ તપાસ મુજબ, ધારા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતી અને પોતાની જરૂરિયાતો તેમજ મોજશોખ માટે સુરજ પાસે વારંવાર પૈસાની માંગ કરતી હતી. સુરજ પોતાની પત્ની અને બાળકોને મળવા જાય ત્યારે પણ બંને વચ્ચે વિવાદ થતો હતો. ઘણી વખત ધારા પોતાને ઈજા પહોંચાડીને સુરજ પર દબાણ કરતી હતી. સતત વધતા ઝઘડાઓએ આખરે સંબંધોને ગંભીર વળાંક આપ્યો.
વર્ષ 2022ના ફેબ્રુઆરીમાં થયેલા એક મોટા ઝઘડા બાદ ધારા જૂનાગઢ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સુરજ ભુવાજી તેમજ તેના મિત્ર ગુંજન જોષી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ બંને અલગ થઈ ગયા હતા, પરંતુ આ જ ઘટનાએ આગળ જઈને હત્યાના કાવતરાનો પાયો નાખ્યો હતો.
થોડા સમય બાદ ધારાએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે ફરી સુરજનો સંપર્ક કરીને સમાધાનની કોશિશ કરી હતી. બંને વચ્ચે ફરી સમજૂતી થઈ અને તેઓ ફરી સાથે રહેવા લાગ્યા. જોકે, દુષ્કર્મનો કેસ ચાલુ જ હોવાથી સુરજ ભુવાજી મનમાં ધારાથી કાયમી છુટકારો મેળવવાનું ષડ્યંત્ર રચી રહ્યો હતો, જેની ધારાને જરાય જાણ નહોતી. આખરે આ જ કાવતરાનો અંત ધારા કડીવારની નિર્દય હત્યામાં આવ્યો અને હવે વર્ષો બાદ કોર્ટે મુખ્ય આરોપીઓ સામે આજીવન કેદની સજા ફટકારી છે.