📲 વધુ સમાચારો મેળવવા
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
CrimeGujarat

નવા દાગીના બનાવી આપવાની લાલચમાં 720 ગ્રામ સોનું પડાવ્યું

રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં રહેતી એક મહિલાને જૂના સોનાના દાગીનામાંથી **ઝીરો ટકા મજૂરીએ નવા દાગીના બનાવી આપવાની લાલચ** આપીને અંદાજે 720 ગ્રામ સોનાના દાગીના પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ દાગીના વિવિધ જગ્યાએ ગીરવે મૂકી તેના પર લોન મેળવી રકમનો અંગત ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં રૂ.25 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ, નાનામવા રોડ વિસ્તારમાં રહેતી હેતલબેન તુષારભાઈ પરસાણાનો પરિચય જાન્યુઆરી-2025 દરમિયાન તેમની બહેનપણી મારફતે શક્તિ રમેશભાઈ રાઠોડ સાથે થયો હતો. આરોપીએ પોતે રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં કોન્ટ્રાક્ટર હોવાનું અને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જણાવી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો.

ત્યારબાદ ફેબ્રુઆરી-2025માં આરોપીએ પોતાના એક મિત્ર મારફતે જૂના સોનાના દાગીનામાંથી કોઈપણ મજૂરી લીધા વિના નવા દાગીના બનાવી આપવાની ખાસ યોજના હોવાનું કહી હેતલબેનને લાલચ આપી હતી. વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં તેણે હેતલબેનના બે-ત્રણ દાગીના નવા બનાવી પરત આપ્યા હતા.

આ પછી હેતલબેન, તેમના પતિ અને સાસુના મળીને અંદાજે 720 ગ્રામ, આશરે રૂ.55 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના માત્ર 10થી 12 દિવસમાં નવા બનાવી આપવાના બહાને લઈ લીધા હતા. જોકે, બાદમાં માત્ર એક સોનાની ચેઇન અને બુટીની એક જોડી પરત આપી, બાકીના અંદાજે 620 ગ્રામ દાગીના પરત આપ્યા નહોતા.

પછીની તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ દાગીના વિવિધ જગ્યાએ ગીરવે મૂકીને તેના આધારે લોન મેળવી હતી અને તેમાંથી મળેલી રકમ પોતાના અંગત ઉપયોગમાં ખર્ચી નાખી હતી.

મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે નોટરી સમક્ષ સમાધાન કરાર કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીએ કુલ રૂ.80 લાખ ચૂકવવાની લેખિત ખાતરી આપી હતી. તેમાંથી રૂ.55 લાખ ચૂકવ્યા બાદ બાકીના રૂ.25 લાખ માટે આપેલા ચેક બેંકમાં બાઉન્સ થયા હતા. આખરે હેતલબેને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શક્તિ રમેશભાઈ રાઠોડ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.